23 February, 2009

શું સમજે ? કોને સમજાવે ? ગૂંચવાતો, ગૂંચવાતો જાતો..

હોઠ ભલે સજ્જડ બીડેલા, મનમાં ચાલ્યા કરતી વાતો...

નાનપણમાં જ્યારે કેમેસ્ટ્રી ભણતા ત્યારે સમીકરણો ગોખીને પેપરમાં લખી લેવાથી પૂરા માર્ક્સ મળતા. શિક્ષકો પણ એવું જ સમજાવે કે આ ‘રોકડા માર્ક્સ’ મેળવવાનો સહેલો રસ્તો છે.

જેમ મોટા થતા ગયા એમ સમજાયું કે ગોખેલાં સમીકરણ કોઈ કામમાં આવતાં નથી. પેપરમાં મળેલા રોકડા માર્ક્સ જિંદગીના પેપર લખવા બેસીએ ત્યારે વધવાને બદલે ઘટતા જાય છે.

બહુ નવાઈની વાત છે કે આ પરિસ્થિતિ માત્ર લગ્ન કે પ્રેમસંબંધો પૂરતી મર્યાદિત નથી રહી. જિંદગીના મોટા ભાગના સંબંધો ધીમે ધીમે વધુ ને વધુ જટિલ-કોમ્પલેક્સ થતા જાય છે. માણસમાત્ર પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાને બદલે પ્રતિકૂળ થવા લાગ્યો છે અને એની જ સાથે પ્રતિકૂળ થવા લાગી છે એની જિંદગી.

આપણે સંબંધોની દુનિયામાં જીવીએ છીએ. માતાપિતા, ભાઈ-બહેન, મિત્ર, મામા-મામી, કાક-કાકી... પ્રેમિકા, પત્ની... કંઈ કેટલાય નામ સાથેના અને નામ વગરના વારસામાં મળેલા અને આપણે શોધેલા સંબંધોથી આપણું પોતાનું અસ્તિત્વ રચાતું હોય છે.

દરેક વખતે દરેક સંબંધ ક્યાંક પહોંચવા માટે નીકળે છે. દરેક સંબંધને કોઈ એક ર્સ્ટાિંટગ પોઈન્ટ (ડીપાર્ચર) અને એક મંઝિલ (અરાઈવલ) હોય છે. કેટલાક સંબંધો સાચા અર્થમાં આપણી જિંદગીનો ભાગ હોય છે તો કેટલાક સંબંધો ફક્ત ચાલવા માટે ચાલતા હોય છે. ત્યારે ઘણી વખત વિચાર આવે છે કે સંબંધ શરૃ થાય ત્યારના સંજોગો અને સંબંધ જ્યાં પહોંચીને પૂરા થવાને આરે આવે ત્યારના સંજોગો કેમ આટલા બધા, લગભગ ૧૮૦ ડિગ્રી જેટલા બદલાઈ જતા હોય છે ? તેમને જે વ્યક્તિની જે કોઈ બાબતો ખૂબ જ વખાણવાલાયક, ચાહવાલાયક, ગમવાલાયક લાગતી હોય એ જ બાબતો સંબંધમાં સમસ્યા બની જાય એવું કેમ થતું હશે ?

ઘણી વાર જે કારણે બે લોકો એકબીજાની નજીક આવે, એ જ કારણે બે લોકો એકબીજાથી દૂર જવા લાગે, ત્યારે એમ લાગે કે સંબંધ એક ગૂંચવણભરી એવી પરિસ્થિતિ છે કે જેમાં માણસ દાખલ તો થઈ જાય છે, પણ જીવી શકતો નથી.

એમાં પતિ-પત્ની હોઈ શકે, પ્રેમી-પ્રેમિકા હોઈ શકે, બે મિત્રો હોઈ શકે અને એનાથી આગળ વધીને ફક્ત લેવડ-દેવડ માટે ગોઠવવામાં આવેલા વ્યવહારુ સંબંધો પણ હોઈ શકે !

આપણે બધાએ જોયું જ હશે કે વ્યવહારના નામે શરૃ થયેલા સંબંધો પણ સમય સાથે અપેક્ષાઓમાં પલટાઈ જાય છે. ફક્ત લેવડ-દેવડ ખાતર શરૃ થયેલા શરીર ઉપર આધારિત કે જરૃરિયાતના સંબંધો પણ સમય સાથે ગૂંચવાતા જાય છે. ધંધામાં કે દોસ્તીમાં પણ ધીમે ધીમે એકબીજા પરત્વે ફરિયાદો વધવા લાગે છે. સામાન્ય રીતે દરેક માણસ એમ માને છે કે સંબંધ વણસવાના કારણમાં પોતાના કરતાં સામેના માણસની જવાબદારી વધારે છે. ‘મેં તો બહુ પ્રયત્ન કર્યાે, પણ સામેનો માણસ સમજે જ નહીં તો આપણે શું કરીએ ?’ કહીને હાથ ખંખેરી નાખતા માણસો એ ભૂલી જાય છે કે જ્યારે સંબંધ તૂટે છે ત્યારે નુકસાન એક વ્યક્તિનું જ ન હોઈ શકે. માણસ કંઈ પણ કહે આપણે બધાએ સ્વીકારી લેવું પડે છે કે માણસ સંવેદનશીલ પ્રાણી છે. લાગણી વિનાનો સંબંધ એને પોષાતો નથી અને લાગણી સાથેનો સંબંધ એ પૂરેપૂરી ઈમાનદારીથી સાચવી શકતો નથી.

અંગત સંબંધોમાં સતત ફરિયાદ કરતો માણસ વ્યવસાયમાં, સમાજમાં અને બીજી બધી જ જગ્યાએ ‘સારા’ દેખાવનો પ્રયાસ કરે છે. પોતે જે નથી તે બતાવીને બહારના લોકો પાસેથી માણસ વાહ વાહ ઉઘરાવે ત્યારે એવું ચોક્કસ સમજાય છે કે જે ટકી જાય છે તે વ્યવહાર હોય છે. સ્પષ્ટપણે લેવડદેવડ ઉપર ટકેલા તદ્દન અપેક્ષાવિહીન વ્યવહારુ સંબંધો પ્રમાણમાં વધુ સ્વસ્થ અને મજબૂત રહે છે, પરંતુ જ્યારે સંબંધમાં લાગણી ભળે કે તરત જ સંબંધ વમળમાં અટવાઈને ખરાબે ચડી જાય છે.

અપેક્ષા દરેક સંબંધની શરૃઆત હોય છે. ધંધાની, સમાજની કે બીજી કોઇ જરૃરિયાત પૂરી કરવાની અપેક્ષા સામાન્ય રીતે માણસ પરસ્પર સંતોષતો રહે છે. આનાથી અલગ વિચારીએ તો જ્યારે બે તરસ્યા લોકો ભેગા થાય છે ત્યારે એમાં ફક્ત અને ફક્ત લાગણીની અપેક્ષા હોય છે. એકાંત કે એકલતા, ઉઝરડા કે પીડા સાથે મળેલા બે લોકોની પહેલી અને છેલ્લી અપેક્ષા હોય છે કે કોઈ પોતાની કાળજી લે, સંભાળ રાખે અને લાગણી બતાવે.

સૌથી મજાની વાત એ છે કે બંને જણા ઈચ્છતા હોય છે કે સામેની વ્યક્તિ પોતાની સંભાળ રાખે ! આવી અપેક્ષામાં કશું ખોટું નથી. દરેક સાચા સંબંધને અપેક્ષાનો અધિકાર છે જ. બંને વ્યક્તિઓની વચ્ચે જ્યારે સમજદારી વધતી જાય ત્યારે સંબંધની ગાંઠ મજબૂત થતી જાય છે, પરંતુ બંને પક્ષે જ્યારે અપેક્ષાઓ વધતી જાય ત્યારે સંબંધ ગૂંચવણની ગાંઠો વાળતો જાય છે. જે મિનિટે તમને પહેલી વાર સવાલ થાય, “હું શા માટે કરું ? એ કેમ ન કરે ?” ત્યારે સમજી લેવું કે સંબંધનો પહેલો પડાવ આવી ચૂક્યો છે.

સાચા સંબંધની શરૃઆતમાં સંબંધ વધારવાનો કોઈ પ્રયાસ નથી કરવો પડતો. માણસ અજાણપણે, અનાયાસે સંબંધ આગળ લઈ જાય છે. સામેની વ્યક્તિ અટકે ત્યાંથી ધક્કો મારીને બીજી વ્યક્તિ એને આગળ લઈ જાય છે.

કોઈ એક ચોક્કસ સ્થળે મળેલો અને કોઈ એક ચોક્કસ પળે પ્રગટેલો સંબંધ હંમેશા એવો ને એવો રહી શકતો નથી એ પણ સત્ય જ છે. સમય, સ્થળ અને સંજોગોની સાથે સાથે કોઈ પણ સંબંધ નાનો-મોટો, ઊંચો-નીચો, લાંબો-પહોળો થતો જાય છે. સામાન્ય રીતે સમાજ જેને સમાધાન કહે છે તે વ્યવહારમાં શક્ય છે. સંબંધમાં એ સમાધાન થવા માંડે કે તરત જ એની સુગંધ મરવા માંડે છે. ‘ચલાવવો પડે’, ‘સાચવવો પડે’, કે ‘ખભે ઊંચકીને ચાલવું પડે’ એવો કોઈ પણ સંબંધ ધીમે ધીમે માનસિક ત્રાસ બનવા માંડે છે. માણસમાત્ર માનસિક ત્રાસથી ભાગવા માટે સંબંધ તોડી નાખવાનું જ પસંદ કરે છે.

સંબંધનો એક એવો પડાવ આવે જ્યાં તમને ઊડવાને બદલે ડૂબવાની લાગણી થાય, સાથે ગાળવાની પળો તમને હળવા કરવાને બદલે વધુ ભારે કરી નાખે ત્યારે લાગે છે કે સંબંધની આખી ડિઝાઈન ખોટી રીતે શરૃ થઈ છે. ખોટી રીતે શરૃ થયેલી ડિઝાઈન ક્યારેય સાચું ચિત્ર બનાવી

શકતી નથી.

જિંદગીમાં સવાલો ઊભા થાય જ, પરંતુ સાથે મળીને એના જવાબો શોધતા શોધતા બે માણસો આખી જિંદગી હાથ પકડીને ચાલી શકે છે. બેડરૃમમાં ગમે તેટલા ઝઘડા પછી પણ જો એકબીજાને ભેટીને સૂઈ શકાય કે ડાઈનિંગટેબલ પર દલીલ કરતાં કરતાં પણ ‘સાથે’ જમી શકાય તો સંબંધોમાં તિરાડ પડવાની શક્યતાઓ તદ્દન નહીંવત છે. મોટા ભાગના સંબંધો તૂટે છે કારણ કે માણસો એકબીજાની સામે વ્યક્ત થતા ડરી જાય છે.

જેની આપણે ખૂબ નજીક હોઈએ એ માણસ આપણા વિશે શું ધારશે એ વિચારમાત્ર આપણને વિચલિત કરી નાંખે છે. સાચું પૂછો તો કોઈ આપણા વિશે શું ધારે છે એ વિચારીને વર્તવાને બદલે આપણે જેવા છીએ તેવા વ્યક્ત થઈને સંબંધને વધુ

લાંબો સમય જીવતો અને ધબકતો રાખી શકાય છે.

કોઈ પણ સંબંધની જરૃરિયાત ‘સાથ’ હોય છે. “તમે જિંદગીનાં કેટલાં વર્ષ સાથે ગાળ્યાં એના કરતાં કેટલાં વર્ષોમાં સાચી જિંદગી ગાળી” એ સવાલ વધુ અગત્યનો બની રહે છે. સતત ફેલાવાનો પ્રયાસ કરતા લોકો ધીમે ધીમે વિખરાતા જાય છે. સતત ઊંચે ચડતા માણસો ધીમે ધીમે બટકી જાય છે, પરંતુ ખુલ્લા મન સાથે કરાયેલા નાના-મોટા ઝઘડા અને સમાધાનો એક વ્યક્તિએ બીજીને આપેલી કિંમતી ભેટ બની જાય છે.

મોટા ભાગના લોકોને ઝઘડા કેવી રીતે કરવા એ પણ આવડતું નથી. સામેની વ્યક્તિને હરાવવા માટે, એને ખોટો પાડવા માટે કરવામાં આવતી દલીલ કદાચ તમને વારંવાર જીતનો આનંદ આપી શકે, પરંતુ જેની સામે જીતવા માટે આ બધું કરો છો એ વ્યક્તિને ખોઈ બેસશો એ નક્કી છે. ધારી લઈને, માની લઈને કે પૂર્વગ્રહો, હઠાગ્રહો, દૂરાગ્રહોને કારણે થતા ઝઘડા ખરેખર એક કુહાડીનું કામ કરે છે. જે ગમે તેવા મજબૂત

સંબંધને મૂળમાંથી કાપવાની તાકાત ધરાવે છે, પરંતુ એકબીજાને સમજવા માટે, એકબીજાને ચાહવા માટે, એકબીજા સુધી પહોંચવા માટે કરવામાં આવતા ઝઘડા બે વ્યક્તિઓને વધુ નજીક લઈ આવે છે.

સામેની વ્યક્તિને શું કહેવું છે તે સાંભળવું ખૂબ જ જરૃરી હોય છે. બે વ્યક્તિઓ ઝઘડે ત્યારે સામાન્ય રીતે સામેની વ્યક્તિ શું કહેશે તે ધારી લઈને એની આવનારી દલીલ કાપવા માટે પહેલેથી જ પેરવી કરવામાં આવે છે. ખરેખર તો એવી જરૃર નથી હોતી. ‘હું ન બોલ્યો/બોલી હોત તો સારું થાત એને બદલે હું ન બોલી/ન બોલ્યો તે સારું થયું’ની લાગણી સંબંધને લૂણો લાગતા અટકાવે છે. માણસને પોતાનો જ શબ્દ હંફાવે છે. કહી નાખેલા શબ્દો પાછા વળી શકતા નથી અને પહોંચી ગયેલા શબ્દોએ કરી નાંખેલા ઘા માફીના શબ્દોથી રૃઝાતા નથી.

માફી માગવી પણ ઘણા લોકોને સહજ કે સરળ નથી હોતી. આપણે આપણા જ માણસને તકલીફ આપી છે એટલી વાત જો સમજી શકાય અને એનો સાચા હ્ય્દયથી અફસોસ થાય તો માફી માગવામાં કોઈ તકલીફ નથી પડતી.

આપણો અહમ્ એટલો અગત્યનો છે કે આપણે બધાને જવા દઈ શકીએ છીએ, છોડી દઈ શકીએ છીએ, પરંતુ સાચા હ્ય્દયથી એક પળ માટે પસ્તાવો કરીને આપણને જે સૌથી પ્રિય છે તેને રોકી શકતા નથી ?!

ધંધામાં, નોકરીમાં, રસ્તા પર કે એવી કેટલીયે જગ્યાઓએ આપણે કેટલાય માણસો સાથે નાના-મોટા સમાધાન કરીએ છીએ કારણ કે ત્યાં વ્યવહાર છે, પરંતુ જ્યાં વહાલ છે ત્યાં આપણને અહમ્ નડી જાય છે એ કેટલી નવાઈની વાત છે !

શીર્ષક પંક્તિ : (રાજેશ વ્યાસ, ‘મિસ્કીન’)

1 comment:

Anonymous said...

આપણો અહમ્ એટલો અગત્યનો છે કે આપણે બધાને જવા દઈ શકીએ છીએ, છોડી દઈ શકીએ છીએ, પરંતુ સાચા હ્ય્દયથી એક પળ માટે પસ્તાવો કરીને આપણને જે સૌથી પ્રિય છે તેને રોકી શકતા નથી ?!

ધંધામાં, નોકરીમાં, રસ્તા પર કે એવી કેટલીયે જગ્યાઓએ આપણે કેટલાય માણસો સાથે નાના-મોટા સમાધાન કરીએ છીએ કારણ કે ત્યાં વ્યવહાર છે, પરંતુ જ્યાં વહાલ છે ત્યાં આપણને અહમ્ નડી જાય છે એ કેટલી નવાઈની વાત છે !....completely agree on your article

- Kumar Shah (ratnam.kumar@gmail.com)